Home> India
Advertisement
Prev
Next

કૃષિ બજારો બંધ નહીં થાય, MSP ની વ્યવસ્થા પહેલાની જેમ જ ચાલુ રહેશે: PM મોદી

વિધાનસભા ચૂંટણી પહેલા જ બિહારને મસમોટી ભેટ સોગાદો મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારને લગભગ 14 હજાર કરોડ રૂપિયાની ભેટ આપી. 

કૃષિ બજારો બંધ નહીં થાય, MSP ની વ્યવસ્થા પહેલાની જેમ જ ચાલુ રહેશે: PM મોદી

નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણી પહેલા જ બિહારને મસમોટી ભેટ સોગાદો મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારને લગભગ 14 હજાર કરોડ રૂપિયાની ભેટ આપી. પીએમ મોદીએ 9 હાઈવે પ્રોજેક્ટ્સની સાથે બિહારના લગભગ 46 હજાર ગામડાઓને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સાથે જોડવા માટે ઘર સુધી ફાઈબર યોજનાનું ઉદ્ધાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આ પ્રોજેક્ટ્સ માટે હું બિહારને શુભેચ્છાઓ પાઠવું છું. આ બિહાર માટે મોટો પરંતુ સાથે સાથે ભારત માટે પણ ખુબ મોટો દિવસ છે. ભારતને આત્મનિર્ભર બનાવવાની શરૂઆત બિહારથી થઈ રહી છે. એક દિવસ બિહારના 45 હજાર ગામડાઓને ઓપ્ટિકલ ફાઈબર સાથે જોડવામાં આવશે. આ અવસરે પીએમ મોદીએ નવા કૃષિ બિલો જે સંસદમાં પાસ થયા તેના વિશે પણ ખેડૂતોને ખાતરી આપી અને કહ્યું કે MSP વ્યવસ્થા ચાલુ જ રહેશે. કૃષિ બજારો ખતમ થશે નહીં. 

9 પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન, 'ઘર તક ફાઈબર  કાર્યક્રમ' પણ સામેલ
બિહારની આ યોજનાઓમાં 14000 કરોડ રૂપિયાના 9 રાજમાર્ગ પ્રોજેક્ટ્સ, અને 45,945 ગામડાઓને ઓપ્ટિકલ ફાઈબર ઈન્ટરનેટ સેવાઓ સાથે જોડતો 'ઘર તક ફાઈબર' કાર્યક્રમ સામેલ છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતના ગામડાઓમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યા શહેરના લોકોથી વધી જશે એ વિચારવું પણ મુશ્કેલ હતું. ગામડાના લો પર સવાલ ઉઠતા હતાં. ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શન મામલે દુનિયામાં આગળ છે. ડિજિટલ ભારતે દેશના સામાન્ય માણસોને ખુબ મદદ કરી છે. 

પીએમ મોદીએ કહ્યું કે ઈન્ટરનેટનો ઉપયોગ વધવાની સાથે સાથે હવે એ પણ જરૂરી છે કે દેશના ગામડાઓમાં સારી ક્વોલિટી, ઝડપવાળું ઈન્ટરને મળે.પીએમ મોદીએ કહ્યું કે ગામડાઓમાં ઝડપવાળું ઈન્ટરનેટ હોવું જોઈએ. અત્યાર સુધી 1.50 લાખ પંચાયતો સુધી ઓપ્ટિકલ પહોંચી ચૂક્યા છે. એટલું જ નહીં છેલ્લા 6 વર્ષમાં દેશભરમાં 3 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર પણ ઓનલાઈન જોડાયા છે. હવે આ કનેક્ટિવિટી દેશના દરેક ગામ સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે દેશ આગળ વધી રહ્યો છે. હવે એક ક્લિકમાં બાળકો દુનિયા સાથે જોડાઈ રહ્યા છે. 

પીએમ મોદીએ કહ્યું કે Telemedicineના માધ્યમથી હવે આંતરિયાળ ગામડાઓમાં પણ સસ્તો અને પ્રભાવી ઈલાજ ગરીબોને ઘરે બેઠા મળવો શક્ય બનશે. આપણા ખેડૂતોને તો તેનાથી ખુબ લાભ થશે. સારો પાક, હવામાનના હાલચાલ જેવી અનેક જાણકારીઓ સરળતાથી મળશે. તેમણે કહ્યું કે દુનિયામાં જે દેશે પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગંભીરતાથી રોકાણ કર્યું છે તે જ દેશે સૌથી વધુ વિકાસ કર્યો છે. પરંતુ ભારતમાં દાયકાઓથી એવું થયું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા અને વ્યાપક ફેરફાર લાવનારા પ્રોજેક્ટ્સ પર એટલું ધ્યાન અપાયું નહીં. 

અટલજીની સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રાજકારણ, વિકાસ યોજનાઓનો બનાવ્યો પ્રમુખ આધાર
પ્રધાનમંત્રીએ કહ્યું કે અટલજીની સરકારે સૌથી પહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રાજકારણનો, વિકાસની યોજનાઓનો પ્રમુખ આધાર બનાવ્યો હતો. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્સ પર હવે જે સ્કેલ પર કામ થઈ રહ્યું છે, જે સ્પીડ પર કામ થઈ રહ્યું છે તે અભૂતપૂર્વ છે. બિહાર વિશે વાત કરતા કહ્યું કે બિહારની કનેક્ટિવિટીમાં સૌથી મોટો રોડો મોટી નદીઓના કારણે આવે છે. આ જ કારણ છે કે જ્યારે પીએમ પેકેજની જાહેરાત થઈ રહી હતી ત્યારે પુલોના નિર્માણ પર વિશેષ ધ્યાન અપાયું હતું. આ પેકેજ હેઠળ ગંગાજી પર કુલ 17 પુલ બની રહ્યા છે જેમાંથી મોટાભાગના પૂરા થઈ ચૂક્યા છે. 

પીએમ મોદીએ કહ્યું કે આવનારા 4-5 વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 110 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. જેમાંથી 19 લાખ કરોડ  રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ તો ફક્ત હાઈવે સાથે જોડાયલા છે. 

કૃષિ બિલ પર ફરીથી ખેડૂતોને આપ્યું આશ્વાસન
કૃષિ બિલ પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે ગઈ કાલે દેશની સંસદે દેશના ખેડૂતોને નવા અધિકાર આપનારા ખુબ જ ઐતિહાસિક બિલને પાસ કર્યું છે. હું દેશના લોકોને, દેશના ખેડૂતો, દેશના ઉજ્વળ ભવિષ્યના આશાવાન લોકોને પણ આ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. આ સુધારો 21મી સદીના ભારતની જરૂરિયાત છે. 

આપણા દેશમાં અત્યાર સુધી ખરીદ વેચાણની જે વ્યવસ્થા હતી, જે કાયદા હતાં તેનાથી ખેડૂતોના હાથ પગ બંધાયેલા હતાં. આ કાયદાની આડમાં દેશમાં એવા શક્તિશાળી જૂથો પેદા થઈ ગયા હતાં જે ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હતાં. નવા કૃષિ સુધારાઓથી ખેડૂતોને એ આઝાદી મળી છે કે તેઓ કોઈને પણ, ક્યાંય પણ પોતાનો પાક પોતાની શરતે વેચી શકે છે. હવે જો મંડીમાં તેને વધુ લાભ મળશે તો તે ત્યાં વેચી શકશે. મંડી ઉપરાંત ગમે ત્યાં જો તેને લાભ મળતો હશે તો તેને ત્યાં વેચવા ઉપર પણ કોઈ પ્રતિબંધ નથી. 

ખેડૂતોને મળી રહ્યો લાભ
પીએમએ કહ્યું કે ખેડૂતોને મળેલી આ આઝાદીનો લાભ દેખાઈ રહ્યો છે. કારણ કે તેનો વટહુકમ થોડા સમય પહેલા જ નીકળી ગયો હતો. એવા પ્રદેશો કે જ્યાં બટાકા બહુ થાય છે ત્યાંથી રિપોર્ટ્સ છે કે જૂન-જુલાઈ દરમિયાન જથ્થાબંધ ખરીદનારાઓ ખેડૂતોને વધુ ભાવ આપીને સીધા કોલ્ડ સ્ટોરેજમાંથી જ બટાકા ખરીદી લીધા. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશ, યુપી, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં દાળ ખુબ થાય છે. આ રાજ્યોમાં ગત વર્ષની સરખામણીમાં 15થી 25 ટકા સુધી વધુ ભાવ ખેડૂતોને મળ્યા છે. દાળ મિલોએ ત્યાં પણ સીધી ખેડૂતો પાસેથી ખરીદી કરી છે. અને ચૂકવણી પણ તેમને જ કરી છે. 

કૃષિ બજારો બંધ થશે નહીં, MSP વ્યવસ્થા ચાલુ જ રહેશે
તેમણે કહ્યું કે અંદાજો લગાવી શકાય છે કે અચાનક કેટલાક લોકોને જે મુશ્કેલી શરૂ થઈ ગઈ છે તે કેમ થાય છે. અનેક જગ્યાએ એવા સવાલ ઉઠી રહ્યા છે કે કૃષિ મંડીઓનું શું થશે. કૃષિ મંડીઓ ક્યારેય બંધ થશે નહીં. આ કાયદો, આ ફેરફાર કૃષિ  બજારો વિરુદ્ધ નથી. કૃષિ બજારોમાં જે કામ પહેલા થતું હતું તે જ રીતે અત્યારે પણ થશે. અમારી એનડીએ સરકારે જ દેશની કૃષિ મંડીઓને આધુનિક બનાવવા માટે સતત કામ કર્યું છે. એક જૂની કહેવાત છે કે સંગઠનમાં શક્તિ હોય છે. આજે આપણા ત્યાં 85 ટકાથી વધુ ખેડૂતો  એવા છે કે જે ખુબ થોડી જમીન પર ખેતી કરે છે. જ્યારે કોઈ ક્ષેત્રના આવા ખેડૂતો જો એક સંગઠન બનાવીને કામ કરે તો તેમનો ખર્ચ પણ ઓછો થાય છે અને યોગ્ય કિંમત પણ સુનિશ્ચિત થાય છે. 

ખેડૂતોના હિતોની રક્ષા માટે બીજો કાયદો બનાવવામાં આવ્યો છે. આ એક એવો કાયદો છે કે જેનાથી ખેડૂતોની ઉપર કોઈ બંધન રહેશે નહીં. ખેડૂતોના ખેતરોની સુરક્ષા, ખેડૂતને સારા બીજ, ખાતર, આ બધાની જવાબદારી તેની રહેશે જે ખેડૂત સાથે કરાર કરશે. કૃષિ વેપા કરનારા આપણા સાથીઓ સામે Essential Commodities Act ની કેટલીક જોગવાઈઓ હંમેશા આડે આવતી હતી. બદલાતા સમયમાં તેમાં પણ ફેરફાર કર્યો છે. દાળ, બટાકા, ખાદ્ય તેલ, ડુંગળી જેવી ચીજો  હવે આ એક્ટની મર્યાદામાંથી બહાર કરવામાં આવી છે. 

નીતિશકુમારે પણ આપ્યું નિવેદન
આ અવસરે મુખ્યમંત્રી નીતિશકુમારે પણ આ યોજનાઓ બદલ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો. નીતિશકુમારે કૃષિ બિલને લઈને પણ પોતાનો અભિપ્રાય રજુ કર્યો. તેમણે કહ્યું કે રવિવારે રાજ્યસભામાં જે પણ કઈ થયું તે ખોટું હતું. આ બિલ ખેડૂતોના હિતમાં છે. નીતિશકુમારે કહ્યું કે બિહારમાં એપીએમસી એક્ટ હટાવતી વખતે બિહાર વિધાનસમંડળમાં પણ વિપક્ષે ખુબ હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના લોકો સદન છોડીને જતા રહ્યાં હતાં. પંરતુ અમે કાયદો લાવ્યાં અને હવે આ કાયદાને સમગ્ર દેશમાં લાવવામાં આવી રહ્યો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More